શ્રી સમસ્ત વણિક સેવા સંઘ – વડોદરા

સન ૨૦૦૬ માં નાના પાયા ઉપર શ્રી ભાલચંદ્ર (ભીખુભાઇ) ચીમનલાલ મહેતાએ શરુ કરેલી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ આજે વટવૃક્ષ બની ગઈ છે. શરુઆત થઇ ગરીબ બાળકોને અભ્યાસમાં મદદરુપ થવા નોટબુક અને દફતર આપવાથી. “એકલા ચાલો રે…” નું સોલો ગીત ધીમે ધીમે કોરસ બની ગયું અને અનેક સાથીઓ, અનેક દાતાઓ, અનેક કાર્યકર્તાઓ મળતા જ ગયા. વર્ષ ૨૦૧૧ માં સમસ્ત વણિક સંઘની સ્થાપના કરાઈ. જેમાં કારોબારી સભ્યો તરીકે કમર્ઠ અને સમર્થ સાથીદારો મળી ગયા. વન મેન આર્મીના સેનાપતિ શ્રી ભીખુભાઈ અને સૌ સાથીઓના સહકાર અને સંધબળના ફળસ્વરુપે પ્રવૃત્તિનો વ્યાપ વઘતો જ ગયો, દાનની સરવાણી આવતી જ રહી. પરિણામે વર્ષ ૨૦૧૪ માં શ્રી સમસ્ત વણિક સંઘ દ્વારા ૭૫ શાળાઓમાં ૧ લાખથી પણ વધુ નોટ બુક્સ, ૪૦૦ થી પણ વધુ ગણવેશ અને અસંખ્ય વિદ્યાર્થીઓને દફતર વિનામૂલ્યે વહેંચી શકાયા. અત્યંત ગરીબ એવા વિદ્યાર્થીઓની શાળાની ફી પણ અમે ભરી આપી. આગામી વર્ષોમાં આથી પણ વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે. વર્ષ ૨૦૧૫ – ૧૬ માં રૂ. ૧૦ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. વાર્ષિક એક લાખ નોટ બુક્સનો આંકડો પાર કરી દેવાની અમારી અભિલાષા ગયા વર્ષે જ પૂરી થઈ છે. સમાજની વ્યાપક આર્થિક સહાય મળે તો આ ભગીરથ કાર્ય નવા લક્ષ્યો, નવા આયામો સિઘ્ઘ કરી શકે છે. સમાજના મોભીઓને, સમાજના હિત ચિંતકોને સમાજના નાનામાં નાના માણસને પણ આ યજ્ઞમાં સાથ, સહકાર અને તન, મન, ધનની મદદરુપી આહુતિ આપવા નમ્ર અને આગ્રહભરી વિનંતી છે. જેમ જેમ સહકાર મળતો રહે તેમ તેમ નવી દિશાઓમાં પ્રયાણ કરવાનો ઉત્સાહ પણ થતો રહે છે. ગયા વર્ષે ૧૪ – ૧૫ કુટુંબોને વર્ષ દરમ્યાન અનેકવાર જરુરીયાત મુજબ અનાજ વિ. સામગ્રી તેમના ઘરે પહોચાડી શક્યા હતા. આર્થિક ટેકો મળે તો આ અત્યંત આવશ્યક સામાજીક પ્રવૃત્તિને વ્યાપક સ્તરે આગળ વધારવા મહેચ્છા છે. આવશ્યકતાઓ તો અનેક છે, અભિલાષાઓ અમાપ છે, શક્યતાઓનું વિશ્વ આપણી સામે છે જરુરત છે સમાજના દરેક ક્ષેત્રના નાના મોટા સૌનો તન, મન, ધનનો સક્રિય સાથ, સહકાર અને પ્રોત્સાહનની. ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાની નાની સહાય પણ મોટું કામ કરી દે છે. સૌને નમ્ર અપીલ છે કે આ પ્રવૃત્તિઓને નવી ઉંચાઈએ લઈ જવામાં ઉદાર દિલે મદદ કરે.

અમારી પ્રવૃતિઓ